ગુજરાતમાં છેલ્લી 4 મોટી દુર્ઘટનાઓમાં 12 સફાઈકાર્મીઓના મોત

ગુજરાતમાં ઝેરી ગેસથી સફાઈ કામદારોના સતત થતા મોત અંગે માનવ અધિકાર કાર્યકરે NHRCમાં ફરિયાદ કરી કડક પગલાં લેવા માગ કરી છે.
gujarat sainittion workers die

ગુજરાતમાં છેલ્લા 1 વર્ષ દરમિયાન ETP પ્લાન્ટ, સેપ્ટિક ટેન્ક, ગટર અને અન્ય બંધ જગ્યાઓની સફાઈ દરમિયાન ઝેરી વાયુ શ્વાસમાં જવાથી શ્રમિકોના સતત થઈ રહેલા મૃત્યુ અત્યંત ચિંતાજનક અને શરમજનક ચિત્ર રજૂ કરે છે. આ ઘટનાઓ હવે માત્ર આકસ્મિક બનાવો રહી નથી, પરંતુ રાજ્યમાં શ્રમિકોની સુરક્ષા પ્રત્યેની ગંભીર બેદરકારી અને માનવ અધિકારોના સતત ભંગનું પ્રતિબિંબ બની ચૂકી છે. આ ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને માનવ અધિકાર કાર્યકર કાંતિભાઈ પરમારે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ (NHRC), નવી દિલ્હી સમક્ષ એક સંયુક્ત ફરિયાદ રજૂ કરી તાત્કાલિક હસ્તક્ષેપની માંગ કરી છે.

ચાર મોટી દુર્ઘટનાઓ અને 12 શ્રમિકોના કરૂણ મોત

રાજ્યના વિવિધ ઔદ્યોગિક વિસ્તારોમાં બનેલી ચાર મોટી દુર્ઘટનાઓમાં જ કુલ 12 શ્રમિકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને 4 શ્રમિકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ગાંધીનગરના કલોલ તાલુકામાં આવેલા સઈજ GIDC ખાતે મફતલાલ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ETP પ્લાન્ટમાં ઝેરી વાયુની અસરથી 3 શ્રમિકોના કરૂણ મોત થયા હતા, જ્યારે 1 શ્રમિક ગંભીર રીતે ઘાયલ થયો હતો. સુરતના ખાંડ બજાર વિસ્તારમાં સ્થિત રતિહ જ્વેલર્સના ETP પ્લાન્ટની ટેન્કની સફાઈ વખતે ઝેરી ગેસ શ્વાસમાં જતાં 4 શ્રમિકોના સ્થળ પર જ મોત નીપજ્યા હતા.

આ પણ વાંચો: સગર્ભા શિક્ષિકાએ લાંચ ન આપતા મેટરનિટી લીવ ન મળી, બાળકનું ગર્ભમાં મોત

સુરતના પાંડેસરા ઔદ્યોગિક વિસ્તારમાં પારસ પ્રિન્ટ મિલના ETP પ્લાન્ટમાં સફાઈ કામગીરી દરમિયાન પણ આવી જ ભયાનક દુર્ઘટના બની હતી, જેમાં 3 શ્રમિકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. 21-22 ઓગસ્ટ 2025 ના રોજ સોખડા ગામની ફૂડ પ્રોસેસિંગ ફેક્ટરીમાં ETP ટાંકી સાફ કરતી વખતે ઝેરી વાયુની અસર થતાં 2 કામદારોના મોત થયા હતા અને અન્ય 2 ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

સુરક્ષા સાધનોનો અભાવ અને એકસરખી ગંભીર બેદરકારી

આ તમામ ઘટનાઓનું વિશ્લેષણ કરતા એક જ પ્રકારની ગંભીર બેદરકારી સામે આવી છે. શ્રમિકોને PPE કીટ, ગેસ ડિટેક્ટર, ઓક્સિજન સિલિન્ડર, સેફ્ટી હાર્નેસ કે અન્ય કોઈ પણ ફરજિયાત સુરક્ષા સાધનો આપ્યા વિના જ ઝેરી ગેસવાળી બંધ ટાંકીઓમાં ઉતારવામાં આવ્યા હતા. સફાઈ દરમિયાન એક શ્રમિક બેભાન થઈ જતાં તેને બચાવવાના ચક્કરમાં અન્ય શ્રમિકો પણ ટાંકીમાં ઉતર્યા હતા અને ઝેરી વાયુની ઝપેટમાં આવીને એક પછી એક મોતને ભેટ્યા હતા. આ પ્રકારની બેદરકારી ભારતના બંધારણની કલમ 21 હેઠળ આપવામાં આવેલા જીવનના અધિકાર અને માનવ ગૌરવના અધિકારનું ખુલ્લું ઉલ્લંઘન છે.

NHRC સમક્ષ કરાયેલી મુખ્ય માંગણીઓ

આ પરિસ્થિતિ પર અંકુશ લાવવા અને જવાબદારો સામે કાર્યવાહી કરવા માટે NHRC સમક્ષ મહત્વની માંગણીઓ રજૂ કરવામાં આવી છે. જેમાં છેલ્લા 1 વર્ષ દરમિયાન થયેલી ગટર અને ETP દુર્ઘટનાઓની NHRC દ્વારા સ્વતંત્ર તપાસ કરવામાં આવે. આ ઉપરાંત ગુજરાતના મુખ્ય સચિવ, DGP, શ્રમ વિભાગ, ફેક્ટરી નિરીક્ષક અને કલેક્ટરો પાસેથી વિગતવાર રિપોર્ટ મંગાવવામાં આવે. માનવ જિંદગી સાથે રમત રમતી જવાબદાર કંપનીઓ, કોન્ટ્રાક્ટરો અને બેદરકાર અધિકારીઓ સામે કડક ફોજદારી કાયદા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવે.

આ પણ વાંચો: સ્વરોજગાર વધ્યા પણ લોકોની કમાણી કેમ વધતી નથી?

દિવંગત શ્રમિકોના પરિવારોને યોગ્ય નાણાકીય વળતર, પરિવારના 1 સભ્યને કાયમી રોજગાર, બાળકોને નિઃશુલ્ક શિક્ષણ અને ઈજાગ્રસ્તોને શ્રેષ્ઠ સારવાર પૂરી પાડવામાં આવે. તમામ GIDC વિસ્તારોમાં ETP અને સેપ્ટિક ટેન્કોનું રાજ્યવ્યાપી સેફ્ટી ઓડિટ થાય તથા કડક સુરક્ષા પ્રક્રિયા અને “Permit to Work” સિસ્ટમ વિના કોઈપણ શ્રમિકને બંધ જગ્યામાં ઉતારવા પર કડક પ્રતિબંધ લાદવામાં આવે.

દરેક દુર્ઘટના પછી માત્ર તપાસ સમિતિની રચના કે વળતરની જાહેરાતો કરવાથી આ ગંભીર સમસ્યાનો ઉકેલ આવી શકે નહીં. જો સુરક્ષા નિયમોનો જમીની સ્તરે કડક અમલ કરવામાં નહીં આવે, તો નિર્દોષ શ્રમિકો પોતાના જીવ ગુમાવતા રહેશે. કેન્દ્ર અને રાજ્ય સરકાર તેમજ રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગ આ મામલે તાત્કાલિક અસરકારક નીતિ બનાવીને અમલ કરાવે તે સમયની માંગ છે.

આ પણ વાંચો: મહેસાણામાં પ્રથમ વાર વસ્સાસાટિકા દાન પર્વ યોજાયું

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
0
Would love your thoughts, please comment.x
()
x