બનાસકાંઠાના દાંતીવાડાના રાણોલ ગામમાં દલિતોનું દૂધ સ્વીકારવાનો ઈનકાર કરી દેનાર દૂધ મંડળીના સવર્ણ જાતિના 34 તત્વો સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ છે. ગામમાં વસતા દલિત સમાજના પશુપાલકો મહેનત-મજૂરી કરીને દૂધનું ઉત્પાદન કરે છે, પરંતુ તેમની જાતિને કારણે ગામની દૂધ મંડળીમાં તેમનું દૂધ સ્વીકારવાનો જ ઈનકાર કરી દેવાયો છે. ગામના સવર્ણ અને જાતિવાદી તત્વોએ એકઠા થઈને દલિતોનું દૂધ ન લેવા માટે સામુહિક સહીઓ કરી ફતવો બહાર પાડ્યો હતો. આખરે દલિત પશુપાલકોની રજૂઆત બાદ પોલીસે દૂધ મંડળીના મંત્રી સહિત 34 જાતિવાદી તત્વો સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મંદિરમાં ભેગા થઈને દલિતોના બહિષ્કારનો ગેરકાયદે ઠરાવ કરાયો
બનાસકાંઠાના રાણોલ ગામમાં થોડા દિવસો અગાઉ જાતિવાદી માનસિકતા ધરાવતા લોકોએ મંદિરના પરિસરમાં એકઠા થઈને દલિત સમાજનો સામાજિક અને આર્થિક બહિષ્કાર કરવાનું કાવતરું ઘડ્યું હતું. ગામના સવર્ણોએ નિર્ણય કર્યો હતો કે રાણોલ ગામની દૂધ ડેરીમાં કોઈ પણ દલિત પશુપાલકનું દૂધ લેવામાં આવશે નહીં.

આ પણ વાંચો: જસદણના વડોદમાં ડૉ.આંબેડકરના બોર્ડનો વિવાદ: દલિત આગેવાને ફિનાઈલ પીધું
આટલેથી ન અટકતા, આ તત્વોએ કાયદા અને બંધારણના સરેઆમ લીરેલીરા ઉડાડીને એક પત્ર તૈયાર કર્યો હતો. જેમાં દલિતોનું દૂધ ન સ્વીકારવા બાબતે સામુહિક સહીઓ કરવામાં આવી હતી. આ ફતવો અને સહીઓ વાળો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર રાજ્યમાં ભારે વિરોધનો વંટોળ ઊઠ્યો હતો.
દલિત પશુપાલકોને બાજુના ગામે ધક્કા ખાવાની ફરજ પડી
ગામડાઓમાં પશુપાલન એ દલિત અને શોષિત સમાજની આજીવિકાનો મુખ્ય સ્ત્રોત હોય છે. દૂધ મંડળીના મંત્રીએ આ ગેરકાયદેસર ઠરાવના આધારે દલિતોનું દૂધ લેવાનું બંધ કરી દેતાં પશુપાલકોની રોજીરોટી પર સીધો પ્રહાર થયો હતો. દલિત સમાજના લોકોએ દૂધ ડેરીના મંત્રીને આ બાબતે રજૂઆત કરી કાયદાનું ભાન કરાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આભડછેટના કેફમાં છાકટા બનેલા મંત્રી અને ગ્રામજનોએ દૂધ સ્વીકારવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી.
આ પણ વાંચો: સરકારી શિક્ષણની દશા: ક્યાંક એક જ શિક્ષક, તો ક્યાંક શૂન્ય વિદ્યાર્થી!

પોતાના જ ગામમાં આભડછેટનો ભોગ બનેલા દલિત પશુપાલકોને આકરી તડકામાં અને વિષમ પરિસ્થિતિઓમાં પોતાનું દૂધ ભરાવવા માટે બાજુમાં આવેલા ઓઢવા ગામે જવાની નોબત આવી હતી. ગામમાં જ પોતાની ઓળખ અને હક માટે દલિતોએ સહન કરવાનો વારો આવ્યો હતો.
34 જાતિવાદી તત્વો સામે એટ્રોસિટી દાખલ
પોતાના જ ગામમાં અન્યાય અને અસ્પૃશ્યતાનો શિકાર બનેલા દલિત પશુપાલકોએ આ મામલે મૌન રહેવાના બદલે લડત આપવાનું નક્કી કર્યું હતું. પીડિતોએ જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા (SP) અને સમાજ કલ્યાણ વિભાગમાં લેખિતમાં પુરાવા સાથે સણસણતી રજૂઆતો કરી હતી. ઉચ્ચ અધિકારીઓએ કાગળ પર વાયરલ થયેલો સહીઓ વાળો પત્ર અને ઘટનાની ગંભીરતા જોઈને તુરંત જ તપાસના આદેશ આપ્યા હતા.
આ પણ વાંચો: યુપીમાં 6 બૌદ્ધ સ્થળોને જોડીને વૈશ્વિક બુદ્ધિસ્ટ સર્કિટ બનશે
આદેશ બાદ દાંતીવાડા પોલીસ સ્ટેશને ગામના દૂધ મંડળીના મંત્રી સહિત કુલ 34 શખ્સો સામે એટ્રોસિટી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસે ખેંગારભાઈ ચૌધરી, વજાભાઈ ચૌધરી, સુરેશભાઈ ચૌધરી, જેપતાભાઈ રાતડા, જયંતીભાઈ રાતડા સહિત 34 નામાંકિત આરોપીઓ સામે ગુનો નોંધી કાયદાનું ચક્ર ગતિમાન કર્યું છે.
ગામડાઓમાં હજુ પણ જીવંત છે આભડછેટનું ઝેર
આ ઘટના સાબિત કરે છે કે 21મી સદીમાં પણ ગુજરાતના અંતરિયાળ ગામડાઓમાં દલિતો સાથે કેવો દાદાગીરીભર્યો અને અમાનવીય વ્યવહાર કરવામાં આવે છે. સવર્ણ સમાજનો એક વર્ગ આજે પણ દલિતોને આર્થિક રીતે પગભર થતાં જોઈ શકતો નથી. જ્યારે દલિતો પોતાના પરસેવાની કમાણીથી દૂધ વેચવા જાય છે ત્યારે પણ તેમની જાતિ જોઈને બહિષ્કાર કરવામાં આવે છે. કાયદાનો કોઈ ડર રાખ્યા વિના જાહેરમાં સહીઓ કરીને ફતવા બહાર પાડતા આવા જાતિવાદી તત્વો સામે દાખલારૂપ સખત કાર્યવાહી થાય તે સમયની માંગ છે.
આ પણ વાંચો: ગાંધીનગર બાર એસો.ના મહામંત્રી સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ











