કેશોદના સોંદરડામાં દલિત યુવકને પંચાયત સભ્યે ઢોર માર માર્યો

કેશોદના સોંદરડામાં પાયાની સુવિધા માગતા દલિત યુવકને પંચાયત સભ્ય ગોરધન અમૃતિયાએ જાહેરમાં જાતિસૂચક ગાળો ભાંડી ઢોર માર માર્યો.
keshod sondarda dalit youth attack
Ai image

ગુજરાતમાં બંધારણીય હકો અને પાયાની માનવ જરૂરિયાતો માગવી પણ દલિતો માટે જીવનું જોખમ બની ગયું છે. જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના સોંદરડા ગામમાં વીજળી અને પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિધાઓની રજૂઆત કરવા ગયેલા એક 21 વર્ષીય દલિત યુવકને ગ્રામ પંચાયતના સભ્ય દ્વારા જાહેરમાં અપમાનિત કરી, ઢોર માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે.

ઢોર માર મારી જાતિ મુદ્દે અપમાન કર્યું

સોંદરડા ગામના રણજીત નગરમાં રહેતા અને મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા 21 વર્ષીય ધર્મેશ ઉર્ફે ધર્મા મકવાણા નામના દલિત યુવકે આંબેડકર ભવન પાસે ગામના પંચાયત સભ્ય ગોરધન અમૃતિયા સમક્ષ પોતાના વિસ્તારમાં લાઈટ અને પાણીની સુવિધા પૂરી પાડવા વિનંતી કરી હતી. એક નાગરિક તરીકે પાયાની સુવિધા માગવાની આ સામાન્ય રજૂઆતથી સવર્ણ પંચાયત સભ્યનો મનુવાદી અહમ છવાઈ ગયો હતો.

આ પણ વાંચો: બનાસકાંઠાના રાણોલમાં દલિતોના દૂધ પર પ્રતિબંધ: 34 સામે એટ્રોસિટી

આરોપી ગોરધન અમૃતિયાએ ઉશ્કેરાઈને જાહેર રસ્તા પર જ ધર્મેશને જાતિસૂચક અપશબ્દો કહી હડધૂત કરવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ બેફામ બનીને ઢીકાપાટુનો માર માર્યો હતો અને પોતાના હાથમાં રહેલી મોટરસાયકલની અણીદાર ચાવી વડે ધર્મેશના શરીર પર અનેક ઘા ઝીંકી દીધા હતા.

જાનથી મારી નાખવાની ધમકી

જ્યારે પંચાયત સભ્ય ધર્મેશ પર લોહિયાળ હુમલો કરી રહ્યો હતો, ત્યારે ધર્મેશના મિત્ર મીત પરમારે વચ્ચે પડીને તેને વધુ મારથી બચાવ્યો હતો. હુમલો કર્યા બાદ પણ આરોપીનો આક્રોશ શમ્યો નહોતો. તેણે જાહેરમાં ધમકી આપી હતી કે “હવે પછી લાઈટ કે પાણીની વાત કરી છે તો પતાવી દઈશ, જીવતો નહીં મૂકું.” હુમલો કર્યા બાદ આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.

આ પણ વાંચો: સરકાર કેમ પ્લાસ્ટિકની ચલણી નોટો છાપવા જઈ રહી છે?

ગંભીર રીતે લોહીલુહાણ થયેલા દલિત યુવકને તાત્કાલિક સારવાર અર્થે કેશોદની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં ભાનમાં આવ્યા બાદ ધર્મેશ મકવાણાએ આપેલા નિવેદનના આધારે કેશોદ પોલીસે આરોપી ગોરધન અમૃતિયા સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની વિવિધ ધારાઓ તેમજ SC/ST એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

DySP સહિતનો કાફલો સ્થળ પર, આરોપી ફરાર

આ ઘટનાના પગલે દલિત સમાજમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે. મામલાની ગંભીરતાને ધ્યાને રાખીને DySP હિતેશ ધાંધલિયા સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો સોંદરડા ગામે દોડી ગયો હતો. પોલીસે ઘટનાસ્થળનું પંચનામું કર્યું હતું અને પ્રત્યક્ષદર્શી સાક્ષીઓના નિવેદનો નોંધવાની કામગીરી હાથ ધરી હતી. DySP ધાંધલિયાએ જણાવ્યું હતું કે, પાયાની સુવિધાઓની રજૂઆત મુદ્દે થયેલી બોલાચાલી બાદ આ હુમલો કરાયો છે.

આ પણ વાંચો: છોટાઉદેપુરની દીકરી રાઠવા આદિવાસી સમાજની પહેલી પાયલોટ બની

ફરાર થઈ ગયેલા પંચાયત સભ્ય ગોરધન અમૃતિયાની ઝડપથી અટકાયત કરવા માટે અલગ-અલગ પોલીસ ટીમો બનાવીને ચક્રો ગતિમાન કરાયા છે.

આ ઘટના સાબિત કરે છે કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં બેઠેલા પ્રતિનિધિઓની માનસિકતા હજુ પણ કેટલી જાતિવાદી છે. 21મી સદીમાં પણ જો દલિતોને વીજળી અને પાણી માગવા બદલ માર પડતો હોય, તો તંત્ર અને શાસકોના વિકાસના દાવા પોકળ સાબિત થાય છે. બહુજન સમાજે આ જાતિવાદી સભ્યની ધરપકડ કરી તેને જેલના સળિયા પાછળ ધકેલવાની માગ કરી છે.

આ પણ વાંચો: માયાવતીનો મોટો નિર્ણય: આકાશ નહીં, આ યુવતી સંભાળશે BSP!

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
GPSC ના ચેરમેન હસમુખ પટેલ પર લાગેલા જાતિવાદના આરોપો અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x