મુસ્લિમ સમાજ પર દેશમાં ગમે ત્યારે અલગ અલગ પ્રકારની જેહાદ ફેલાવવાનો આરોપ મૂકીને મારામારી, હુમલા અને હત્યાની ઘટનાઓ વધી છે. ત્યારે ઉત્તર પ્રદેશના બિજનોર જિલ્લામાં એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં શાળામાંથી ઘરે પરત ફરી રહેલા 43 વર્ષીય મુસ્લિમ સરકારી પ્રાથમિક શિક્ષકની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી.
બિજનોર જિલ્લાના પુરુષોત્તમપુર ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક નૌશાદ અહેમદ મંગળવારે બપોરે શાળા છૂટ્યા બાદ પોતાના ઘરે જવા નીકળ્યા હતા, ત્યારે જ પૂર્વ આયોજિત ષડયંત્ર હેઠળ તેમના પર આ જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.

હુમલાખોર રસ્તામાં તેમની રાહ જોઈને જ ઉભો હતો અને નૌશાદ અહેમદ નજીક પહોંચતા જ તેમના પર ગોળીબાર કરી દીધો હતો. ઘટના બાદ આરોપી પોતાની મોટરસાઇકલ પર સવાર થઈને ફરાર થઈ ગયો હતો. ગંભીર રીતે ઘવાયેલા નૌશાદ અહેમદને તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ અનેક ગોળીઓ વાગવાના કારણે તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
આ પણ વાંચો: કોક્રોચ જનતા પાર્ટીની સંસદ માર્ચ શરૂ, ચંદ્રશેખર આઝાદ પણ પહોંચ્યાં
આરોપીનું નજીબાબાદ પોલીસ સ્ટેશનમાં સરેન્ડર
હત્યાની ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીએ પોતે જ નજીબાબાદ પોલીસ સ્ટેશન પહોંચીને આત્મસમર્પણ કરી દીધું હતું. આરોપીની ઓળખ પુરનપુર ગઢી ગામના 32 વર્ષીય ગૌરવ ચૌધરી તરીકે થઈ છે. પોલીસે આરોપી પાસેથી હત્યામાં વપરાયેલી દેશી પિસ્તોલ પણ જપ્ત કરી લીધી છે.
પોલીસ કસ્ટડીમાં આરોપી ગૌરવ ચૌધરીએ દાવો કર્યો હતો કે તેણે શિક્ષક પર 3 ગોળીઓ ચલાવી હતી. તેણે પોલીસ સમક્ષ દાવો કર્યો કે તે શિક્ષકની હત્યા કરવાનો હેતુ ‘લવ જિહાદ’ને પ્રોત્સાહન આપતા અટકાવવાનો હતો. એક ઉચ્ચ પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, સરન્ડર દરમિયાન ગૌરવ ચૌધરીએ આક્ષેપ કર્યો હતો કે મૃતક શિક્ષક નૌશાદ અહેમદ વિસ્તારમાં સક્રિય રીતે ‘લવ જિહાદ’ને પ્રોત્સાહન આપી રહ્યા હતા.

આ પણ વાંચો: સુનાવણી વિના 8 વર્ષ જેલ ભોગવનાર સુરેન્દ્ર ગાડલિંગને જામીન મળ્યાં
અંગત અદાવત અને થપ્પડનો વિવાદ
જોકે, માત્ર ધાર્મિક દાવાઓ પર જ નિર્ભર રહેવાને બદલે ઉત્તર પ્રદેશ પોલીસ આ સમગ્ર હત્યાકાંડ પાછળના અંગત વિવાદ અને અદાવતના પાસાઓની પણ બારીકાઈથી તપાસ કરી રહી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ગોળીબારની આ ઘટનાના 4 દિવસ પહેલા જ શિક્ષક અને આરોપી વચ્ચે જાહેર બજારમાં મોટો ઝગડો થયો હતો.
પ્રાથમિક માહિતી અનુસાર, આરોપી ગૌરવ ચૌધરીના એક સ્થાનિક દલિત પરિવાર સાથે ખૂબ જ નજીકના સબંધો હતા. તેને જાણવા મળ્યું હતું કે તે દલિત પરિવારની એક યુવતીના એક સ્થાનિક મુસ્લિમ યુવક સાથે પ્રેમ સંબંધો છે અને બંનેને એકસાથે જોવામાં આવ્યા હતા. ગૌરવ ચૌધરીએ આ બાબતે બંને પરિવારના સભ્યોને જાણ કરી દીધી હતી, જેના પગલે યુવતી અને યુવક બંનેને તેમના પરિવારજનો દ્વારા ઠપકો આપવામાં આવ્યો હતો અને માર પણ મારવામાં આવ્યો હતો.
4 દિવસ પહેલા બજારમાં મામલો બિચક્યો હતો
આ ઘટના બન્યા બાદ પીડિત મુસ્લિમ યુવક શિક્ષક નૌશાદ અહેમદ પાસે પહોંચ્યો હતો અને સમગ્ર આપવીતી જણાવી હતી. આ મામલાને લઈને હત્યાના 4 દિવસ પહેલા જ શિક્ષક નૌશાદ અહેમદે સ્થાનિક બજારમાં ગૌરવ ચૌધરી સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન વાતાવરણ ઉગ્ર બનતા શિક્ષકે બધાની સામે ગૌરવ ચૌધરીને તમાચો મારી દીધો હતો.
આ પણ વાંચો:પ્રજાસત્તાક પર્વે દલિત મહિલાને રાષ્ટ્રપતિ ભવન બોલાવીને અપમાનિત કરાઈ
જાહેર બજારમાં પડેલી આ થપ્પડ અને અપમાનનો બદલો લેવા માટે જ ગૌરવ ચૌધરીએ ષડયંત્ર રચીને શિક્ષકની ગોળી મારીને હત્યા કરી હોવાની શક્યતા પણ પોલીસ તપાસી રહી છે.
પોલીસની તપાસ અને આગળની કાર્યવાહી
હાલમાં બિજનોર પોલીસ શિક્ષક નૌશાદ અહેમદની હત્યા સાથે જોડાયેલા તમામ કાયદાકીય અને સામાજિક પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. એક તરફ આરોપી ગૌરવ ચૌધરી દ્વારા કરવામાં આવેલો ‘લવ જિહાદ’નો દાવો છે, તો બીજી તરફ બજારમાં પડેલી થપ્પડનો બદલો લેવાની અંગત અદાવત છે.
પોલીસનું કહેવું છે કે ઘટનાસ્થળેથી પુરાવા એકત્રિત કરવામાં આવ્યા છે અને સાક્ષીઓના નિવેદનો નોંધાઈ રહ્યા છે. તપાસ પૂર્ણ થયા બાદ જ હત્યા પાછળનું મુખ્ય અને વાસ્તવિક કારણ સ્પષ્ટ થઈ શકશે.
આ પણ વાંચો: દલિત વિદ્યાર્થીને ‘તારે ક્યાં અનામતની જરૂર છે?’ કહેનાર HOD સામે કેસ











