દલિત યુવકે સવર્ણ યુવતી સાથે પ્રેમ લગ્ન કરતા ઘર તોડી નાખ્યું

દલિત યુવકે સવર્ણ યુવતી સાથે લગ્ન કરતા જ ગામના 15 જેટલા લોકોના ટોળાએ તેનું ઘર બુલડોઝરથી તોડી પાડ્યું.
repalle intercaste mairrage

દલિતો માટે આપણા દેશમાં જીવવું કેટલું દોહ્યલું થઈ ચૂક્યું છે તેના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે. પરંતુ આ ઘટના તે બધામાં ચડિયાતી છે. મામલો તેલંગાણાનો છે. જ્યાં એક દલિત યુવકે સવર્ણ જાતિની યુવતી સાથે પ્રેમલગ્ન કરતા યુવતીની જાતિના માથાભારે તત્વોએ યુવકના ઘર પર હુમલો કરી બુલડોઝરથી તેનું ઘર તોડી પાડ્યું હતું.

મળતી વિગતો મુજબ, રેપલ્લે ગામના મડિગા સમાજના (દલિત) યુવકે બોયા સમાજની યુવતી સાથે 9 સપ્ટેમ્બરના રોજ હૈદરાબાદના આર્ય સમાજમાં વિધિવત લગ્ન કર્યા હતા. લગ્ન બાદ પોતાને જીવનું જોખમ હોવાથી આ દંપતીએ હૈદરાબાદના માસાબ ટેન્ક પોલીસ સ્ટેશન પહોંચીને સુરક્ષાની માગણી કરી હતી.

આ પણ વાંચો: ભાવનગરના વાળુકડમાં ફોન ન આપતા દલિત યુવક પર હુમલો

પરંતુ, આ લગ્નથી ઉશ્કેરાયેલા યુવતીના પરિવાર અને તેની જાતિના લોકોએ કાયદો હાથમાં લીધો હતો. 10 સપ્ટેમ્બરના રોજ બપોરે 2 વાગ્યાના સુમારે આશરે 15 લોકોનું એક હિંસક ટોળું લોખંડના સળિયા, ટ્રેક્ટર અને હથિયારો સાથે દલિત યુવકના ઘરે પહોંચ્યું હતું. આ ટોળાએ સમગ્ર ઘર પર હુમલો કરીને તેને તોડી પાડ્યું હતું અને દલિત પરિવારને બેઘર કરી દીધો હતો. ઘટના બાદ ગઢવાલ પોલીસે FIR નોંધીને 6 લોકોની ધરપકડ કરી છે.

ફેક્ટ-ફાઇન્ડિંગ ટીમની મુલાકાત અને આક્રોશ

આ મામલે દલિત બહુજન ફ્રન્ટ (DBF), હ્યુમન રાઇટ્સ ફોરમ (HRF) અને આંબેડકર સ્ટુડન્ટ્સ એસોસિએશન (ASA)ની સંયુક્ત ફેક્ટ-ફાઇન્ડિંગ ટીમે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. DBFના નેશનલ સેક્રેટરી પી. શંકર, HRF એક્ટિવિસ્ટ સંજીવ, ASAના પ્રવક્તા એડ્ડુ દિવાકર અને સામાજિક કાર્યકર ભાસ્કરે ગામની મુલાકાત લઈને પીડિત પરિવારને ન્યાય આપવાની માગ કરી હતી. DSP મોગલય્યાએ પણ સ્થળ તપાસ કરી હતી.

ટીમે માગ કરી છે કે તમામ આરોપીઓ અને ઉશ્કેરણી કરનારાઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે, SC/ST એટ્રોસિટી એક્ટ હેઠળ ઘર પુનઃનિર્માણનું પૂરતું વળતર આપવામાં આવે અને આરોપીઓને ગામમાંથી બહાર રાખવામાં આવે.

આ પણ વાંચો: સુરતમાં દલિત ડોક્ટરને જાતિ નડીઃ મકાનનો સોદો રદ કરાયો!

બગી પર વરઘોડો કાઢતા દલિતો પર હુમલો

માત્ર તેલંગાણા જ નહીં, ઉત્તર પ્રદેશમાં પણ જાતિવાદી માનસિકતાના કિસ્સાઓ સામે આવ્યા છે. શાહજહાંપુર જિલ્લાના તિલહર વિસ્તારના લાઈ ખેડા ગામમાં 20 એપ્રિલના રોજ બરેલીથી એક દલિત પરિવારની જાન આવી હતી. વરરાજા બગી પર સવાર થઈને નીકળ્યા ત્યારે સવર્ણ રાજપાલ યાદવ નામના વ્યક્તિએ “હવે દલિતો પણ બગી પર બેસીને વરઘોડો કાઢશે?” તેવું જાતિવાદી નિવેદન કર્યું હતું. આ બાબતે વિવાદ વધતા યાદવ પક્ષના લોકોએ હિંસક હુમલો કર્યો હતો. ઘટના બાદ પોલીસે રાજપાલ યાદવ અને તેના પુત્ર સુમિત સહિત અન્ય લોકો સામે BNS અને SC/ST એક્ટ હેઠળ FIR નોંધી ધરપકડ કરી હતી.

આ પણ વાંચો: બનાસકાંઠાના રાણોલમાં દલિતોના દૂધ પર પ્રતિબંધ: 34 સામે એટ્રોસિટી

જાતિવાદી અપમાનથી કંટાળી યુવકનો આત્મદાહ

ઉત્તર પ્રદેશના જ મુઝફ્ફરનગર જિલ્લાના ગંગધારી ગામમાં 17 એપ્રિલના રોજ જાતિવાદી ગાળાગાળીથી કંટાળીને 22 વર્ષીય દલિત યુવક હિમાંશુ કૌરે પોતાના શરીર પર પેટ્રોલ છાંટીને આત્મદાહનો પ્રયાસ કર્યો હતો. સ્થાનિક જમીનદાર ગૌરવ ઉર્ફે ટિંકુએ હિમાંશુને ગુલામોની જેમ કામ કરવાનું કહી જાહેરમાં થપ્પડ મારીને જાતિસૂચક અપશબ્દો કહ્યા હતા. આ અપમાન અને માનસિક આઘાત સહન ન થતાં હિમાંશુએ આત્મઘાતી પગલું ભર્યું હતું, જેમાં તે 30 થી 50 ટકા જેટલો દાઝી ગયો હતો.

આ તમામ ઘટનાઓ સાબિત કરે છે કે આઝાદીના દાયકાઓ પછી પણ દલિતો અને બહુજનો માટે રોટી, કપડાં, મકાન અને આત્મસન્માન સાથે જીવવાનો અધિકાર મનુવાદી માનસિકતાના કારણે જોખમમાં છે. જો તંત્ર આવી હિંસક પ્રવૃત્તિઓ સામે દાખલારૂપ કડક કાર્યવાહી નહીં કરે તો બંધારણીય અધિકારોનો છેદ ઊડી જશે.

આ પણ વાંચો: સરકાર કેમ પ્લાસ્ટિકની ચલણી નોટો છાપવા જઈ રહી છે?

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
GPSC ના ચેરમેન હસમુખ પટેલ પર લાગેલા જાતિવાદના આરોપો અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x